logo
Breaking News
અપરાધ

રોજનું 42 હજાર વ્યાજ ચૂકવતા'તા, 70 હજાર માંગતા પતિ-પત્નીનો આપઘાત:8 લાખના 21 લાખ ચૂકવ્યા તો પણ વ્યાજખોરો બેફામ

અ
અધિકાર ન્યૂઝ એક્સપ્રેસ બ્યૂરોપ્રતિનિધિ
|7 કલાક પહેલા|3 મિ. વાંચન
રોજનું 42 હજાર વ્યાજ ચૂકવતા'તા, 70 હજાર માંગતા પતિ-પત્નીનો આપઘાત:8 લાખના 21 લાખ ચૂકવ્યા તો પણ વ્યાજખોરો બેફામ
Share:

રાજકોટમાં ગોંડલ હાઈવે પર કલ્પવનમાં C2માં ફ્લેટ નંબર 507માં રહેતા પતિ-પત્નીએ લસણના કારખાનામાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. 40 વર્ષીય રમેશ ચાવડા અને તેના પત્ની ભારતી ચાવડાએ ગળેફાંસો ખાતા બંનેના મોત નિપજ્યા છે. 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે રકમના વ્યાજ સહિત રુપિયા ચૂકવવા દબાણ હતું. બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભક્તિનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

**'પ્રતિ દિવસ 42,000 રૂપિયા વ્યાજ આપવું પડશે'**

મૃતકના પિતરાઈ ભાઈ લક્ષ્મીદાસએ જણાવ્યું હતું કે, આ પગલું ભર્યું છે તે મારા કાકાનો છોકરો છે, મારો ભાઈ થાય છે. વ્યાજખોરોના કારણે તેણે આ કર્યું છે. વ્યાજે રુપિયા લીધા હતા જેના ત્રણ મહિનામાં 21 લાખ રુપિયા ચૂકવી દીધા હતા. છેલ્લા અઠવાડિયે હજી એવું કહેવામાં આવ્યું કે પ્રતિ દિવસ 42,000 રૂપિયા વ્યાજ આપવું પડશે. જો 26 તારીખે એ 8 લાખ રૂપિયા નહીં ચૂકવે તો 70, 000 રૂપિયા વ્યાજ કરવામાં આવશે. વ્યાજખોર એક મોરબીનો ભાઈ છે અને એક રાજકોટનો છે. લસણનો ધંધો કરવા માટે વ્યાજે પૈસા લીધા હતા. મારા ભાઈ સાથે જે થયું તે બીજા સાથે ન થાય તેવી માંગણી છે.

**આત્મહત્યાના બનાવો ઘટાડવા પ્રયાસ**

રાજકોટ જિલ્લામાં સામે આવતા આત્મહત્યાના બનાવોને ગંભીરતાથી લઈ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ કાર્યરત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોગસણ તથા ડૉ.ધારા દોશીના નેતૃત્વમાં રિસર્ચ સ્કોલર્સ, ક્લિનિકલ કાઉન્સિલર્સ અને પોલીસ ટીમે સંયુક્ત મોરચો સંભાળ્યો હતો. આ ટીમે માત્ર પોલીસ મથકે નોંધાતા આપાત્તકાલીન કેસો સુધી સીમિત ન રહેતાં, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને પીડિતોનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કર્યું હતું.

આ પહેલનું સૌથી સંવેદનશીલ પાસું એ રહ્યું કે, જે પરિવારોએ ભૂતકાળમાં આત્મહત્યાના કારણે પોતાના સ્વજન ગુમાવ્યા હતા, તેવા પરિવારોની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આવા પરિવારોમાં ફરી કોઈ સભ્ય હતાશા કે ડિપ્રેશનનો ભોગ ન બને તે માટે તેમને સાંત્વના આપી યોગ્ય માર્ગદર્શન અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવામાં આવી હતી. સતત ટેલિફોનિક ફોલોઅપ અને સ્થાનિક આશા વર્કરો તેમજ ગ્રામજનોના નેટવર્કથી પીડિતોની આસપાસ મજબૂત સુરક્ષા જાળું તૈયાર કરાયું આવ્યું છે.

**પોલીસની પહેલથી કેટલો ફાયદો થયો**

* ડિપ્રેશનમાં જંગી ઘટાડો 63.25%

* આત્મહત્યાની વૃત્તિ ઘટી 26.27%

* માનસિક તણાવમાં ઘટાડો 24.09%

* સમગ્ર માનસિક સ્વાસ્થ્યમાં સુધારો 9.33%

**ગુજરાત અને રાજકોટ ગ્રામ્યની સ્થિતિ-શા માટે કરવું પડ્યું આ અભિયાન?**

NCRB અને પોલીસ ચોપડે આત્મહત્યાની ઘટનાના નોંધાયેલા ચિંતાજનક આંકડા ધ્યાનમાં લઇ રેન્જ આઇજી અને એસપીએ આ અભિયાન માટે બીડું ઉઠાવ્યું હતું.

1 રાજ્યમાં વધતા કેસ (NCRB): ગુજરાતમાં વર્ષ 2020માં 8,050, 2021માં 8,789, 2022માં 8,670, 2023માં 8,948 અને 2024માં 8,984 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં પારિવારિક કલહ, આર્થિક સંકડામણ, દેવું, સામાજિક દબાણ અને માનસિક તણાવ મુખ્ય કારણો રહ્યા છે.

2 રાજકોટ ગ્રામ્યમાં આત્મહત્યાના પ્રયાસો: જિલ્લામાં વર્ષ 2024માં 438 અને વર્ષ 2025માં 443લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વર્ષ 2026માં (31 મે સુધીમાં જ) 490 લોકોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

3 દૈનિક સ્થિતિ: જિલ્લામાં રોજના સરેરાશ 3થી 5 વ્યક્તિ આવા પ્રયાસો કરે છે, જેમાંથી સમયસર સારવારથી 80થી 90 ટકા લોકો બચી જાય છે. આ જ બચી ગયેલા લોકોને ફરી જીવન તરફ વાળવા પોલીસે બીડું ઝડપ્યું છે.

સંબંધિત સમાચારો